' સાવિત્રી'નું  શુભાગમન

( બે શબ્દો )

------------------------------------

              

               આપણા કવિ શ્રી પૂજાલાલ આપણને શ્રી અરવિંદના મહાકાવ્ય 'સાવિત્રી' નો સંપૂર્ણ અનુવાદ આપે છે એ જોઈને સૌ કોઈને આનંદ થશે, અને સૌથી વધુ આનંદ તો મને થાય છે. 'દક્ષિણા'માં એના બીજા વર્ષમાં,   ૧૯૪૯ માં, મેં 'સાવિત્રી'નો અનુવાદ આપવાનો શરૂ કર્યો ત્યારે મને ખ્યાલ છે ત્યાં સુધી આ વિષય મેં એકલાએ હાથ લીધો હતો. અને જે રીતે જેમ જેમ અનુવાદ થતો ગયો તેમ તેમ હું 'દક્ષિણા'માં આપતો રહ્યો છું. ઘણા પૂછતા કે 'સાવિત્રી'-નો અનુવાદ પુરો ક્યારે આપો છો, કેટલો થયો છે, ત્યારે એ વસ્તુ બનવી મારે માટે તો સ્વપ્ન જેવી લગતી હતી. એટલે જે કાંઈ થયું છે તેને સાંકળી લઈને, થોડો ક્થાભાગ ગદ્યમાં સૂચવીને 'સાવિત્રી'ની એક સંક્ષિપ્ત આવૃત્તિ તૈયાર કરવી એમ વિચાર ગોઠવતો હતો. ત્યાં તો આ કલ્પેલી નહિં એવી ઘટના એકદમ સાકાર બને છે કે શ્રી પૂજાલાલ પૂરી 'સાવિત્રી' આપે છે. તેમણે 'સાવિત્રી' હાથ લીધું છે એ વાત મારી પાસે  આવી હતી, પણ તેઓ આટલો મહાન સંકલ્પ કરે તેવી પ્રેરણા તેમને થઇ અને એ કાર્ય માટે તેઓ કટિબદ્ધ થઇ તેને પાર પાડી રહ્યા છે એને તો આપણે આ શ્રી અરવિંદના જન્મશતાબ્દીના વર્ષમાં સ્વયં શ્રી અરવિંદ તરફથી જ મળતા વરદાન રૂપે ગણીશું અને તેને કૃતજ્ઞતાપૂર્વક ઝીલીશું.

               અનુવાદનું કાર્ય, ખાસ કરીને કવિતાના, એક સુક્ષ્મ ક્રિયા છે, તેમ જ તે કવિતાના સ્વતઃ સર્જન કરતાં પણ વિશેષ કાવ્યશક્તિને માગી લે છે. શ્રી પૂજાલાલ પાસે ઘણી સિદ્ધ એવી કાવ્યશક્તિ છે તેમ જ શ્રી અરવિંદે ખેડેલા ગહન વિષયના, તેમની યોગસાધનાના તથા યોગદર્શનના તેઓ અતિ નિકટવર્તી ઉપાસક છે. શ્રી અરવિંદને ચરણે બેઠેલું એમનું દીર્ધ જીવન તેમને આ વિષય સાથે એકરૂપતામાં લઇ ગયું છે. એટલે એ રીતે એમના હાથે થતો આ અનુવાદ આ ગહન વિષયને ન્યાય આપશે એવી ખાતરી આપણે રાખીએ. અનુવાદનો ખરો પ્રશ્ન તે મૂળના વિષયનું યથાર્થ ગ્રહણ કરવું, અને તેને આપણી ભાષામાં ઉચિત એવો કાવ્યદેહ આપવો એ છે. અનુવાદમાં માત્ર મૂળનો અર્થ આવે એટલું જ નહિ પરંતુ તે પૂરેપૂરો, શક્ય તેટલો, કાવ્યરૂપ બનીને આવે એ થવું જોઈએ, અનુવાદ પણ કવિતારૂપ બનવો જોઈએ. અને આ કાર્ય મહા તપસ્યા તેમ જ સારી એવી કાવ્યશક્તિ માગી લે છે. આપણે આશા રાખીએ, કાવ્યસર્જનની દેવી મા ભારતીને પ્રાર્થના પણ કરીએ કે શ્રી પુજલાલને હાથે ઊતરતી આ 'સાવિત્રી' ગંગા ઉત્તમ એવું કાવ્ય રૂપ લઈને આવે.

[૪]


                ગુજરાત 'સાવિત્રી'થી સારી રીતે પરિચિત છે. શ્રી અંબુભાઈનું 'સાવિત્રી ગુંજન' એ મહાકાવ્યની કથાને સૌ જિજ્ઞાસુઓ પાસે લઇ ગયું છે. એ પણ એક આનંદજનક નોંધવા જેવી બીના છે કે એમણે પણ 'સાવિત્રી' ને થોડુંક પદ્યમાં ઉતાર્યું હતું. આપણે ત્યાં 'સાવિત્રી'ના બીજા પણ સારા એવા અભ્યાસીઓ રહેલા છે. અને હવે તો ઘણાએક નાનામોટા કવિઓ 'સાવિત્રી'ની થોડી થોડી પંક્તિઓ પણ ગુજરાતીમાં ઉતારી રહ્યા છે. આપણે તો એમ ઈચ્છીએ કે 'સાવિત્રી'ના ઘણા ઘણા અનુવાદો થાય. એ રીતે આપણી ગુજરાતી ભાષા વધુ સમૃદ્ધ બનશે. શ્રી પૂજાલાલની 'સાવિત્રી' ગુજરાતી કવિતાના થાળમાં એક મોંઘામૂલી ભેટ રૂપે આવે છે. 'સાવિત્રી'ના પ્રેમીઓ આ પુસ્તકને મોકળા મનથી વધાવી લે.

 

*

           

શ્રી અરવિંદનું આ મહાકાવ્ય 'સાવિત્રી' શું છે એ વસ્તુ તો હવે સુપરિચિત તો છે જ. આ કાવ્યમાં શું આવે છે, અને તે કેવી રીતે લખાયું છે અને આપણને તે ક્યાં લઇ જાય છે એ માટે શ્રી અરવિંદે પોતે જ ઘણું ઘણું કહ્યું છે તથા તે વિષે અનેક અભ્યાસગ્રંથો લખાયેલા છે. એ વિષયનો થોડોઘણો પણ ખ્યાલ મેળવવા માટે આપણે ઘણું ઘણું લખવું પડે. શ્રી પૂજાલાલે પોતાના અનુવાદમાં દરેક સર્ગના આરંભે તેમાંનો વસ્તુનો નિર્દેશ કરેલો છે તેમાંથી કાવ્યના વિષયની ગતિ વાચકને સમજાશે. પછી તો વાચકે પોતે કાવ્યનો આધાર લઈને જ આ શ્રી અરવિંદે સર્જેલા મહાસાગરની સફર ખેડવાની છે.

               પરંતુ અહીં આપણે શ્રી અરવિંદના પોતાના થોડા શબ્દો ઉતારીશું. એમાંથી કેટલીક પાયાની વસ્તુઓ આપણને સમજાશે. 'સાવિત્રી' પોતે કેવી રીતે લખ્યું તે વિષે શ્રી અરવિંદ કહે છે: 'મેં 'સાવિત્રી'નો એક આરોહણના સાધન તરીકે ઉપયોગ કર્યો હતો. મેં એનો આરંભ એક અમુક મનોમય ભૂમિકા પરથી કર્યો હતો, જયારે જયારે હું એક વધુ ઉચ્ચ ભૂમિકા ઉપર પહોંચી શકતો ત્યારે ત્યારે હું ફરીથી એ ભૂમિકા પરથી લખતો હતો. વળી હું ખાસ તો એ જોતો કે - એનો જો કોઈ ભાગ કોઈ નીચેની ભૂમિકાઓ પરથી આવતો દેખાય તો એ સારી કવિતા છે એટલા માટે તેને એમ ને એમ રહેવા દઈને હું સંતોષ માનતો ન હતો. આખી જ વસ્તુ બની શકે ત્યાં લગી એક જ  ટંકશાળની બનવી જોઈતી હતી. હકીકત તો એ છે કે 'સાવિત્રી'ને મેં એક લખી નાખીને પૂરું કરી દેવાના કાવ્ય તરીકે જોયું નથી, પરંતુ કવિતા આપણી પોતાની યૌગિક ચેતનામાંથી કેટલે સુધી લખી શકાય તેમ છે તથા તેને કેવી રીતે સર્જન રૂપે કરી

[૫]


શકાય તેમ છે તે માટેના પ્રયોગના ક્ષેત્ર રૂપે ગણ્યું છે.'

               'સાવિત્રી'ની કથા એ માત્ર બે પ્રેમીઓના ગાઢ પ્રખર પ્રેમની વાર્તા છે એટલું જ નહિ પણ મહાભારતમાં પણ તેમાં અમુક પ્રતીક ભાવ રહ્યો હતો એમ શ્રી અરવિંદ કહે છે. 'સાવિત્રી જે સત્યવાનને પરણે છે તે મૃત્યુના રાજ્યમાં અવતરેલા આત્માનું પ્રતીક છે; -- અને સાવિત્રી ..... દિવ્ય પ્રકાશની અને જ્ઞાનની દેવી સત્યવાનને મૃત્યુની પકડમાંથી મુક્ત કરવાને નીચે આવે છે.' વળી જરા વધુ વિગતે શ્રી અરવિંદ સમજાવે છે: 'આ કથા...વૈદિક યુગની અનેક પ્રતીક રૂપ કથાઓમાંની એક છે. સત્યવાન એ પોતાની અંદર પરમ સત્ ના દિવ્ય સત્યને ઘારણ કરતો આત્મા છે પરંતુ તે મૃત્યુ અને અવિદ્યાની પકડમાં નીચે ઊતરેલો છે; સાવિત્રી તે દિવ્ય વાણી છે, સૂર્યની પુત્રી છે, પરમ સત્યની દેવી છે અને તે નીચે આવે છે અને ઉદ્ધાર કરવાને જન્મ લે છે; અશ્વપતિ, અશ્વોનો પતિ, સાવિત્રીનો માનવ પિતા, તે તપસ્યાનો પતિ છે, આધ્યાત્મિક સાધનાની એકાગ્ર બનેલી શક્તિ છે અને તે શક્તિ આપણને માનવ ભૂમિકાઓ પરથી અમરત્વની ભૂમિકાઓ ઉપર પહોંચવામાં મદદ કરે છે. ધુમત્સેન, પ્રકાશપૂર્ણ સેનાનો પતિ, સત્યવાનનો પિતા, તે દિવ્ય મન છે કે જે અહીં આવીને અંધ બની ગયું છે, દ્રષ્ટિના દિવ્ય રાજ્યને તેણે ગુમાવી દીધું છે, અને એમાંથી તેણે પ્રકાશનું રાજ્ય ગુમાવેલું છે. આમ છતાં આ વસ્તુ તે માત્ર એક રૂપક નથી , એમાંનાં પાત્રો તે વ્યક્તિઓ રૂપે બનાવેલા ગુણો નથી, પણ સજીવન અને સભાન શક્તિઓના અવતારો અને પ્રાદુર્ભાવો છે, એમની સાથે આપણે સઘન સ્પર્શમાં આવી શકીએ છીએ, અને તેઓ માનવ શરીર ધારણ કરીને મનુષ્યને મદદ કરે છે અને તેને તેની માનવ અવસ્થામાંથી દિવ્ય ચેતનામાં તથા અમર જીવનમાં પોહોંચવાનો માર્ગ બતાવે છે.'

                'સાવિત્રી' મહાકાવ્ય આ રીતે માનવ જીવનને યમના પાશમાંથી મુક્ત કરી દિવ્ય જીવનમાં લઇ જવાની મહા કથા કહે છે. શ્રી અરવિંદે પૃથ્વી પર અપૂર્વ એવી જે યોગસાધના કરી અને દિવ્ય સિદ્ધિ મેળવી છે તેની પૂર્ણ કથાનો આ તેમની ઊંચામાં ઊંચી ચેતનામાં સર્જોયેલો કાવ્યદેહ છે. પૃથ્વી ઉપર કાવ્યના, વાણીના જગતમાં આ એક દિવ્ય તત્વનો સર્વોત્તમ આવિષ્કાર છે. એ અવિષ્કાર હવે જગતમાં વાસ્તવિક રૂપે પણ સર્જાઈ રહ્યો છે અને તે સર્જનમાં ભાગ લેવાને માટે 'સાવિત્રી' આમંત્રણ રૂપે છે.

 

૧૩. ૨. ૭૩ 

સુંદરમ્

[6]